Saturday, December 26, 2015

રામકૃષ્ણ મિશનની સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ

                 સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાઓ જેવી કે, મુખપાઠ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તથા ચિત્રકામ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તૈયારી સાથે ભાગ લઇ વિવિધ સ્પર્ધાઓમાં શાળાનું પ્રતિનિધિત્વ કરી શાળાનું ગૌરવ વધારેલ છે. જેમાં મુખપાઠ (હિન્દી) સ્પર્ધામાં શાળાના ધોરણ-૭ના વિદ્યાર્થી હાર્દિક મુકેશ  જેબરે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. આ તકે શાળા પરિવાર હાર્દિક જેબરને તેની આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવતા તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.

સી.આર.સી.અને ઝોન કક્ષાના રમતોત્સવમાં ભાગ લેતા શાળાના બાળકો

             સી.આર.સી. કક્ષાના રમતોત્સવમાં  ખો-ખો,  દોડ, ગોળા ફેંક, લાંબી કુદ , યોગાસન જેવી સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયારી સાથે ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કુ. મિતલ નરશી કિશોર (ગોળા ફેંક), કુ. સલેટ ભાવિકા  રમેશ (યોગ) તથા કુ. સોલંકી હર્ષિદા શામજી (દોડ)માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝોન કક્ષાની સ્પર્ધાઓમાં શાળાનું પ્રતિનિધિત્વ કરી શાળાનું ગૌરવ વધારેલ છે. 



Monday, December 14, 2015

Visit Of INS Pralaya

              રાષ્ટીય નેવી ડે નિમિતે પોરબંદર જેટી પર આવેલ INS Pralaya યુદ્ધ જહાજની મુલાકાત શ્રી ખારવા પ્રાથમિક શાળાના ધોરણ -4 ના બાળકોએ  લીધી. 

Saturday, November 7, 2015

Art Week

                        સંત્રાંત પરિક્ષાઓ પૂર્ણ કર્યા બાદ દિવાળી વેકેશન પડે તે દરમિયાનના અઠવાડિયામાં શ્રી ખારવા પ્રાથમિક શાળામાં Art Week નું આયોજન થયું, બાળકોની સર્જનાત્મકતા બહાર આવે  તે હેતુ થી શાળાના શિક્ષકોએ વિવિધ સર્જનાત્મકતા ખીલવતી પ્રવૃતિઓનું આયોજન સફળતા પૂર્વક કર્યું.  તારીખ: 02-11-2015 રંગોળી સ્પર્ધા, તારીખ: 03-11-2015 મહેંદી સ્પર્ધા તારીખ: 04-11-2015 વેસ્ટ માંથી બેસ્ટ તારીખ:05-11-2015 ચિત્ર સ્પર્ધા તથા તારીખ: 06-11-2015 દાંડિયા રાસ માં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. 

Saturday, October 17, 2015

ભારત મંદિર, તારા મંદિર તથા લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત

                 વાંચેલું કે સાંભળેલું કદાચ ભુલાઈ જાય પણ જોયેલું અને અનુભવેલું ચોક્કસ યાદ રહી જય છે. તેથીજ શ્રી ખારવા પ્રાથમિક શાળાની ધોરણ -૮ ની વિદ્યાર્થીનીઓએ પોરબંદરમાં આવેલ ઐતિહાસિક બાબતોથી ભરપુર ભારતનું દર્શન કરાવતું ભારત મંદિર તથા બ્રમ્હાંડની વિશાળતાની પ્રતીતિ કરાવતા તારા મંદિરની મુલાકાત શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી સોનલબેન બળેજા તથા ભાષા શિક્ષક શ્રી મોકરિયા રતનબેનના માર્ગદર્શનમાં લીધી. સાથે સાથે વિદ્યાર્થીનીઓએ સ્વામીનારાયણ ગુરુકુળમાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રની પણ મુલાકાત લઇ વિજ્ઞાનની સંકલ્પનાઓને વધુ સુદ્રઢ બનાવી.  




Friday, October 9, 2015

બાળ સંસદ ચુંટણી -2015

Demo Of  Democracy 
          
                 બાળકોમાં લોકશાહીના ગુણ વિકસે, નિર્ણય શક્તિ ખીલે, નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તથા ચુંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય તે હેતુ થી સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓ દ્વારા તથા વિદ્યાર્થીઓ વડે ચાલતી બાળ સંસદની રચના કરવામાં આવી. 
                વિદ્યાર્થીઓ  દ્વારા જ  ચુંટણી  પ્રક્રિયા યોજાઈ,  જેમાં  વિદ્યાર્થીઓનેજ પ્રીસાઈડીંગ ઓફીસર, પોલીંગ ઓફિસર તથા અન્ય ચુંટણી સ્ટાફ  બનાવવામાં આવતા તેઓએ પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો.












               ચુંટણી જાહેરનામું, ઉમેદવારી પત્રક ભરવું, ચુંટણી પ્રચાર કરવો, મતદાન મથક, મતદાન પ્રક્રિયા, મત ગણતરી, વિજેતા જાહેર કરવા તથા શાળાની જરૂરિયાત અનુસાર મંત્રીઓ, સભ્યોની પસંદગી કરી બાળ સંસદની રચના કરતા વિદ્યાર્થીઓએ  લોકશાહી અને ચુંટણી પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ અને  ગર્વની લાગણી અનુભવી.

                

Saturday, August 15, 2015

સ્વતંત્રતા દિવસ - 2015


           
                     આઝાદ ભારત દેશના ૬૯માં સ્વાતંત્ર્ય પર્વની સૌ દેશવાસીઓને શ્રી ખારવા પ્રાથમિક શાળા વતી ખુબ ખુબ શુભેચ્છાઓ. આજની આ સોનેરી સવાર ગુલામી પહેલાના સમૃધ્ધ ભારત અને આઝાદી પછીના વિકાસશીલ ભારતનું  સ્મરણ કરાવે છે તો સાથે સાથે  વર્ષોની ગુલામીના અંધકાર અને અત્યાચારોની યાદ અપાવે છે. આ મહામુલી આઝાદીના ઘડવૈયાઓના બલિદાન વ્યર્થ ના જ જવા જોઈએ. આવી જ ભાવના સાથે શ્રી ખારવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઝાદીના આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.













           શાળા કક્ષાએ ધ્વજ વંદન, રાષ્ટ્રગીત ગાન અને નારાઓના ઉચ્ચારણના  બુલંદ સ્વરે વાતાવરણને દેશભક્તીમય બનાવી દીધું. શાળાના બાળકોના દેશદાઝ યુક્ત વક્તવ્યોએ હાજર સૌ કોઈના દિલ  જીતી લીધા. સાથે સાથે સામાજિક દુષણો, વ્યસનો, અંધશ્રદ્ધાને સમાજમાંથી હાંકી કાઢવા તથા આઝાદીને ખરા અર્થમાં માણવા નાટકના માધ્યમથી સૌને પ્રેરણા આપી.


                       આ કાર્યક્રમની સાથે સાથે શાળા કક્ષાએ તથા સી.આર.સી., બી.આર.સી., જીલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તેજસ્વીવિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યા. શાળાના આચાર્યે તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને  ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી તથા વિદ્યાર્થીઓના વાલીઓને તેમના બાળકોના વિકાસમાં સક્રિય ભાગ લેવા વિનંતી કરી.




                 આ પ્રસંગે સુભાષનગર વિસ્તારના કાઉન્સીલર શ્રી નાથીબેન વાઢીયા, વાણોટ શ્રી હરીશભાઈ તુમ્બડીયા, એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી રામભાઈ સલેટ તથા સભ્યો, આગેવાનો અને વાલીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.

                જય હિન્દ, જય ભારત 

Friday, June 19, 2015

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -2015

                આજ રોજ શ્રી ખારવા પ્રાથમિક શાળા,  સુભાષનગર,   પોરબંદરમાં   ધોરણ-૧ ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૫  પોરબંદર  નગરપાલીકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી હુદડ સાહેબ, નગરપાલિકાના સભ્ય શ્રી નાથીબેન વઢિયા, સી.આર.સી.કો.ઓં. શ્રી નીરૂબેન ગોઢાણીયા તથા સી.આર.સી.કો.ઓ. શ્રી દીપેનભાઈ કનૈયાલાલ તેમજ  શાળા એસ.એમ.સી.ના સભ્યો, ગામના આગેવાનો તથા વાલીઓની હાજરીમાં ઉજવવામાં આવ્યો.
                 આજ રોજ  ધોરણ-૧ માં પ્રવેશ પાત્ર કુમાર-૨૮ અને કન્યા-૩૩ કુલ-૬૧ બાળકોને મહેમાનોના હસ્તે કીટ વિતરણ કરાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો તથા ગુજરાત સરકારના ૧૦૦% નામાંકનને સિદ્ધ કરવામાં આવ્યું. આ સાથે સાથે ધોરણ ૩ થી ૮ માં શાળામાં શ્રેષ્ઠ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, શાળામાં તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં દાન આપનાર દાતાઓનું સન્માન, પ્રાંત અધિકારીશ્રી ગણાત્રા સાહેબ દ્વારા ભેટ મળેલ પુસ્તકને તરતું મુકવામાં આવ્યું.









                 આ પ્રસંગે વક્તવ્ય આપતા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી હુદડ સાહેબે ૧૦૦% નામાંકન, કન્યા કેળવણી, શાળા-ગામ તથા વ્યક્તિગત સ્વચ્છતા, શાળામાં નિયમિતતા, વ્યસન મુક્તિ, વાલીઓની જાગૃતિ, વગેરે વિશે વિગતે વાત કરી, તથા સમગ્ર કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા.                                                                                 
 


                                                                                                                                       










 આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય, શિક્ષકોના માર્ગદર્શનમાં  શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

Thursday, April 16, 2015

નિવૃત શિક્ષક સન્માન સમારંભ

કેળવણીના ક્ષેત્રમાં શિક્ષકો પોતાની વાણીથી શીખવે તેના કરતા પોતાના જીવનથી, આચરણથી શીખવે તેની ઘણી મોટી કીંમત છે.
        આવુંજ પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા અમારી શાળાના શિક્ષક અને પૂર્વ આચાર્ય શ્રી લાલજીભાઈ ભાણજીભાઈ ટુકડિયા તારીખ: ૩૧-૦૫-૨૦૧૫ ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય, આજ રોજ તેમનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો.
        સરળતા, કર્તવ્ય નિષ્ઠા, સદા ઉપયોગી, સકારાત્મક આધ્યાત્મિક વિચારો, મિતભાષી સ્વભાવ, પરમ સ્વાધ્યાયી, આવા ઉમદા વ્યક્તિત્વના વિશિષ્ટ અંશોએ તેમના સંપર્કમાં આવનાર દરેકને પ્રેરણા આપી.
         આ પ્રસંગે ઉપસ્થિત પે.સે. શ્રી શારદામંદિર પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ જોશી, સી.આર.સી.કો.ઓં. નીરૂબેન,બ્રાન્ચ પ્રાથમિક શાળાના આચાર્ય નયનભાઈ વાજા, કાઉન્સીલર નાથીબેન વઢીયા, એસ.એમ.સી. અધ્યક્ષ રામભાઈ સલેટ, વાણોટ હરીશભાઈ, રણછોડભાઈ,તથા અન્ય મહાનુભાવોએ લાલજીભાઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા અને લાલજીભાઈને શુભેચ્છાઓ આપી.
         શ્રી ખારવા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ લાલજીભાઈ તરફથી મળેલ સ્નેહ અને જીવન સાફલ્યના સિદ્ધાંતોને યાદ કરતા કરતા તેમને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, ઐશ્વર્ય અને સુખદ આરોગ્યની શુભેચ્છાઓ પાઠવી.




         અંતે લાલજીભાઈએ પોતાની જીવન ઝરમર વર્ણવતા સૌને પ્રેરણાન્વિત કર્યા, અને સૌને કર્મ યોગી બનવા સલાહ આપી.